ભાવનગરમાં ઝેરી ડુપ્લિકેટ દારૂકાંડનો મોટો પર્દાફાશ: 21 સામે ગુનો, 13 ઝડપાયા | મારો અવાજ ન્યૂઝ

ભાવનગરમાં ઝેરી ડુપ્લિકેટ દારૂકાંડનો મોટો પર્દાફાશ: 21 સામે ગુનો, 13 ઝડપાયા

વરતેજમાં ‘રોયલ સ્ટેગ’ના સ્ટીકરવાળી ડુપ્લિકેટ દારૂની બોટલથી મોતનો મામલો ગંભીર બન્યો
રિપોર્ટ: મારો અવાજ ન્યૂઝ સ્થળ: ભાવનગર

ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા. 18 ઓગસ્ટ 2026ના રોજ નોંધાયેલા અ.મોત નં. 36/2026ની તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસમાં ‘રોયલ સ્ટેગ’ના સ્ટીકરવાળી બોટલમાં મેથેનોલની વધુ માત્રાવાળો ડુપ્લિકેટ દારૂ હોવાના કારણે બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી જી.એસ. મલિકની સૂચનાથી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને તપાસ સોંપવામાં આવી હતી. એસએમસીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. જાડેજાએ તપાસ સંભાળી અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી શરૂ કરી હતી.

21 આરોપીઓ સામે ગંભીર કલમો હેઠળ ગુનો

વરતેજ પોલીસ સ્ટેશનમાં ડુપ્લિકેટ દારૂના બનાવટ અને વેચાણમાં સંડોવાયેલા કુલ 21 આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 105, 123, 61(2), 3(5), 274, 275, 345(3), 349 તેમજ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

13 આરોપીઓ ઝડપાયા

એસએમસીની અલગ-અલગ ટીમોએ અત્યાર સુધીમાં 13 આરોપીઓને ડુપ્લિકેટ દારૂની બોટલો, દારૂ બનાવવા માટેના કેમિકલ, કલર, સ્ટીકરો, ઢાંકણાં, સ્ટીકર રોલ તથા પેકિંગ માટેના પુઠા સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

તપાસમાં આ સામગ્રી ટ્રાન્સપોર્ટ મારફતે દેશના અલગ-અલગ સ્થળોએથી મંગાવવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. બાકીના આરોપીઓ તથા તપાસમાં ખુલતા અન્ય સંડોવાયેલા લોકોની ધરપકડ માટે ગુજરાત સહિત દેશના વિવિધ સ્થળોએ ટીમો મોકલવામાં આવી છે.

ઝડપાયેલા 13 આરોપીઓનાં નામ

  • ગૌતમ સ/ઓ વીરમભાઈ સોલંકી (ઉં. 24, રહે. આમલીવાડી, વરતેજ)
  • જતીન સ/ઓ સુરેશભાઈ કાંબડ (ઉં. 21, રહે. પાળીયાદ, ભાલ)
  • સારસ સ/ઓ દશરથભાઈ સોલંકી (ઉં. 25, રહે. આમલીવાડી, વરતેજ)
  • પારસ ઉર્ફે પપ્પુ લાલજીભાઈ ચુડાસમા (ઉં. 30, રહે. સોડવદરા)
  • મનદીપસિંહ પૃથ્વીરાજસિંહ ગોહિલ (ઉં. 20, રહે. ખરકડી, તા. ઘોઘા)
  • ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો બટુકસિંહ ગોહિલ (ઉં. 30, રહે. ખરકડી, તા. ઘોઘા)
  • જયદીપ જીવરાજ મકવાણા (ઉં. 27, રહે. કુંભારવાડા, ભાવનગર)
  • હર્ષ ઉર્ફે હસુ રોહિતભાઈ ચૌહાણ (ઉં. 25, રહે. ચૌદનાળા, તા. ઘોઘા)
  • વિવેક અરજણ અલગોતર (ઉં. 26, રહે. મફતનગર, ભાવનગર)
  • ભાર્ગવ કનૈયાલાલ ભટ્ટ (ઉં. 29, રહે. સુભાષનગર, ભાવનગર)
  • કેવલ ઉર્ફે સાંગો રમેશભાઈ સોલંકી (ઉં. 25, રહે. લીલા વુડની આવાસ યોજના, ભાવનગર)
  • સુખદેવ સ/ઓ બાધાભાઈ સલાટ (ઉં. 25, રહે. રૂવા રોડ, ભાવનગર)
  • હાર્દિક ઉર્ફે ટીચો ગોવિંદભાઈ બારૈયા (ઉં. 25, રહે. ખેડુતવાસ, ભાવનગર)

આ તમામ આરોપીઓના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુ છે.

લોકો માટે SMCની ગંભીર અપીલ

  • ‘રોયલ સ્ટેગ’ના સ્ટીકરવાળી શંકાસ્પદ બોટલ અથવા આ પ્રકારનો દારૂ કોઈની પાસે હોય તો તેનું સેવન બિલકુલ ન કરવું.
  • આ પ્રકારનો દારૂ પીધો હોવાની શંકા હોય તો વિલંબ કર્યા વિના નજીકની હોસ્પિટલ અથવા દવાખાનામાં તબીબી તપાસ કરાવવી.
  • ખાસ કરીને શંકાસ્પદ બોટલના બારકોડ તથા તેની નીચે દર્શાવેલા નંબરને ધ્યાનપૂર્વક તપાસવા.

મેથેનોલયુક્ત ડુપ્લિકેટ દારૂનો મામલો માત્ર નકલી દારૂનો કિસ્સો નહીં, પરંતુ લોકોના જીવ સાથે ચેડા કરતો ગંભીર ગુનો બની સામે આવ્યો છે. હવે તપાસનો દોર ગુજરાત બહાર સુધી પહોંચ્યો છે અને બાકીના આરોપીઓ સુધી SMC ક્યારે પહોંચે છે તેના પર સૌની નજર છે.

Leave a Comment