
રેલવે ટ્રેનમાં મુસાફરોના કિંમતી સામાનની ચોરીના 23 ગુનાઓનો ભેદ ઉકેલાયો
મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) રેલવે ટ્રેનોમાં મુસાફરોના કિંમતી સામાનની ચોરી કરતા એક શખ્સને ઝડપી પાડી અમદાવાદ, મહેસાણા, વડોદરા, નડિયાદ, પાલનપુર અને ગોધરા રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ 23 અનડીટેક્ટ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો હોવાનો પોલીસનો દાવો છે. આરોપી પાસેથી ચોરીમાં ગયેલો કુલ ₹5,29,380ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ કામગીરી માટે ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ (IPS) તથા મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી (IPS) દ્વારા મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા મહેસાણા LCBને ખાસ સૂચના આપવામાં આવી હતી.
લાખવડના પાટિયા પાસેથી શંકાસ્પદ શખ્સ ઝડપાયો
આ સૂચના આધારે LCB PI એ.એમ. કામળિયાની આગેવાની હેઠળ PSI એસ.વી. પઢારીયા, PSI બી.વી. વાઘેલા તથા LCB સ્ટાફ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. દરમિયાન લાખવડ ગામના પાટિયા પાસે ASI નરેન્દ્રસિંહ હઠેસિંહ અને HC રમેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે રાઠોડ શ્યામકુમાર (સ/ઓ ભીખુસિંહ રામસિંહ, ઉંમર 20 વર્ષ, રહે. ધનપુરા – ઘાંટુ, તા. વિજાપુર, જી. મહેસાણા)ને ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ તેની અંગઝડતીમાંથી વિવિધ કંપનીના ચાર મોબાઇલ ફોન, ત્રણ સોનાની વીંટીઓ અને રોકડ રૂ.14,380 મળી આવ્યા હતા. મુદ્દામાલ અંગે આરોપી પાસે સંતોષકારક આધાર-પુરાવા ન મળતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી મુદ્દામાલ કબજે લીધો હતો.
ટેકનિકલ એનાલિસિસ અને ગુનાઓની કબૂલાત
પોલીસ દ્વારા આરોપીની યુક્તિ-પ્રયુક્તિપૂર્વક પૂછપરછ અને ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યા બાદ તેણે રેલવે ટ્રેનોમાં મુસાફરોના કિંમતી માલસામાનની ચોરી કરી હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસનું કહેવું છે. ખાતરી તપાસ દરમિયાન વિવિધ રેલવે પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા 23 અનડીટેક્ટ ગુનાઓ ડિટેક્ટ થયા છે.
રાત્રીના સમયે ઊંઘતા મુસાફરોને બનાવતો ટાર્ગેટ
પોલીસ તપાસમાં સામે આવેલી માહિતી મુજબ, આરોપી રાત્રીના સમયે રેલવે ટ્રેનમાં મુસાફરો ઊંઘી જતા હોવાનો લાભ લેતો હતો અને તેમની પાસે રહેલા મોબાઇલ, સોનાના દાગીના તથા અન્ય કિંમતી સામાનની ચોરી કરતો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીને પોતાના મોજશોખ તથા ઓનલાઇન ગેમ રમવાનો શોખ હોવાથી પૈસાની જરૂર પડતી હતી અને આ માટે તે રેલવે ટ્રેનોમાં ચોરીના રવાડે ચડ્યો હતો.
કબજે કરાયેલ મુદ્દામાલની વિગત
- નવગ્રહ ડાયમંડવાળી સોનાની વીંટી (1) ₹1,15,000
- ડાયમંડવાળી સોનાની વીંટી (1) ₹1,45,000
- ડાયમંડવાળી સોનાની વીંટી (1) ₹1,40,000
- Vivo T4 Lite 5G મોબાઇલ ₹15,000
- Samsung Galaxy A15 5G મોબાઇલ ₹15,000
- OPPO A6X મોબાઇલ ₹15,000
- OnePlus Nord 5 મોબાઇલ ₹20,000
- રોકડ રકમ ₹14,380
- કુલ કબજે કરાયેલ મુદ્દામાલ: ₹5,29,380
આ 23 ગુનાઓનો ભેદ ઉકેલાયો
પોલીસના જણાવ્યા મુજબ આરોપી સામે નીચે મુજબના રેલવે પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ ડિટેક્ટ થયા છે:
આમાં BNS કલમ 305(C) તથા 303(2) હેઠળના ગુનાઓનો સમાવેશ થાય છે.
આરોપીનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ
પોલીસ તપાસમાં આરોપી સામે અગાઉ પણ રેલવે તથા અન્ય પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. જેમાં આણંદ રેલવે, જામનગર રેલવે, ઉજ્જૈન (મધ્યપ્રદેશ) રાજકીય રેલવે પોલીસ તથા ગાંધીનગર સેક્ટર-21 પોલીસ સ્ટેશનના ગુનાઓનો સમાવેશ થાય છે. વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025નો ગુનો પણ નોંધાયેલો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
LCB ટીમની સરાહનીય કામગીરી
આ સમગ્ર કામગીરીમાં PI એ.એમ. કામળિયા, PSI એસ.વી. પઢારીયા, PSI બી.વી. વાઘેલા, ASI નરેન્દ્રસિંહ હઠેસિંહ, HC રમેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ, HC પ્રદિપકુમાર જયંતિભાઈ સહિત LCB સ્ટાફે જહેમત ઉઠાવી હતી. ઝડપાયેલા આરોપી તથા કબજે કરાયેલા મુદ્દામાલને વધુ કાયદેસરની કાર્યવાહી માટે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.